ગુજરાતમાં ટ્રાફિક સેફ્ટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ, 2025ના રોજ ટુ-વ્હીલર વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે. તદુપરાંત જે વાહનચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર બાદ ફરીથી હેલ્મેટ પહેરવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે.
આ પરિપત્ર મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 15,396 લોકો રોડ અકસ્માતમાં મોતને ભેંટ્યા છે. વર્ષ 2023માં રોડ પર અકસ્માત થવાના કારણે કુલ 7854 વાહનચાલકો મોતને ભેંટ્યા હતા તો વર્ષ 2024માં 7542 વાહનચાલકો મોતને ભેંટ્યા હતા. આમાં 35 ટકા લોકો એવા હતા કે, જેમના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. આશ્ચર્યજનક વાત તો એ છે કે, જીવ ગુમાવનાર આ વાહનચાલકોમાંથી 25% વાહનચાલકોની ઉંમર 26 વર્ષથી નીચેની હતી, જે ચિંતાજનક છે.
અગાઉ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ પણ જણાવ્યું હતું કે, દેશમાં હેલ્મેટ ન પહેરવાને કારણે લગભગ 30 હજાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આમાં 66 ટકા લોકોની ઉંમર 18-34 વર્ષ વચ્ચેની હતી. તદુપરાંત શાળા-કોલેજોની સામે એક્ઝિટ-એન્ટ્રી પોઇન્ટ પર યોગ્ય વ્યવસ્થાના અભાવે આશરે 10,000 બાળકોનાં મોત નીપજ્યાં છે.