CYSSનો DEO કચેરીએ હલ્લાબોલ, કાર્યકર્તાએ શરીર પર પટ્ટા માર્યા

રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારી રેગિંગ કર્યાની ઘટના દર્દનાક છે. ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે કોઈ પગલાં લેવામાં ન આવતા આજે AAPની વિદ્યાર્થી પાંખ CYSS (છાત્ર યુવા સંઘર્ષ સમિતિ) દ્વારા DEO કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જો આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારીને થોડી પણ શરમ હોય તો તેઓ પોતાના ઘરે પોતાના શરીર ઉપર બે પટ્ટા મારે તો વિદ્યાર્થીની વેદના સમજાશે તેમ કહી કાર્યકર્તાઓએ પોતે પહેરેલો બેલ્ટ કાઢી પોતાના શરીર ઉપર પટ્ટા મારવાનું શરૂ કર્યુ હતું. જોકે આ સમયે હાજર પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ દરમિયાન છેલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર રાજીનામું પણ માગવામાં આવ્યું હતું. તો રેગિંગની ઘટના બાબતે રાજ્ય સરકાર દ્વારા ખરડો પસાર કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અન્ય છાત્રો ઉપર રેગિંગ કરે છે તેઓને સ્કૂલમાંથી દૂર કરવાની સાથે ત્રણ વર્ષ સુધી ભણતરથી દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ NSUI દ્વારા પણ ગુજરાતમાં રેગિંગની ઘટનાઓ મામલે શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ છે.

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ગણાતા CYSSના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને રાજકોટના પ્રમુખ સુરજ બગડાએ જણાવ્યું હતું, રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં એક વિદ્યાર્થીનું અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું, જેમાં તે વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પટ્ટાથી બેરહેમીથી માર મારવામાં આવે છે. તેમના વાલી ન્યાય માટે પોકાર કરી રહ્યા છે, ત્યારે સ્કૂલ દ્વારા માત્ર રેગિંગ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી દૂર કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી પણ જાણે પાણીમાં બેસી ગયા હોય તેમ એક નોટિસ આપવાની હિંમત પણ દર્શાવી નથી. જે દર્શાવે છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલ સામે કોઈ પગલા લેવા માગતા નથી, જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને પોતાના શરીર ઉપર 2 પટ્ટા મારી જુએ તો સમજાશે કે જે વિદ્યાર્થી પર ત્રાસ ગુજર્યો છે, તેની વેદના શું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *