રાજકોટના રામનાથપરા વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી દંપતીને આશરે 12 વર્ષની સગીર પુત્રી સાઇકલ લઇને જતી હતી ત્યારે આરોપીએ 10 રૂપિયાના કેળા લઇ આપવાના બહાને તેણીને ઉભી રાખી ચેનચાળા કરવાનો પ્રયાસ કરવાના કેસમાં મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ રાજકોટના બોઘાણી શેરીમાં આશાપુરા પાનની બાજુના મકાનમાં રહેતા અનવરઅલી કોસોમુદ્દીન ઓસ્ટાગર સામેનો કેસ ચાલી જતા સ્પેશિયલ પોકસો કોર્ટના જજે આરોપીને તકસીરવાન ઠરાવીને આઇપીસી કલમ-354 મુજબ પાંચ વર્ષ કેદની સજા અને રૂ.2 હજારનો દંડ તથા આઇપીસી 354(ડી) મુજબ 3 વર્ષની સજા અને રૂ.2 હજારના દંડનો હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનાર બાળકીને રૂ.50 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ભોગ બનનાર કિશોરી ગત તા.17-10-2023ના રોજ પોતાના પિતાના ધંધાની જગ્યાએથી નાનાભાઇ સાથે સાઇકલ લઇને પરત ફરતી હતી ત્યારે જાહેર રસ્તા પર આરોપીએ તેણીની પાછળ આવી બાળકીને ઉભી રાખી 10 રૂપિયાના કેળા લાવવાનું કહેતા બાળકીએ ના પાડી હતી ત્યારબાદ આરોપીએ બાળકીને ચેનચાળા કરવાનો પ્રયત્ન કરતા બાળકી ચીસો પાડીને રડવા લાગતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવની ભોગ બનનારની માતાએ એ-ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસમાં ફરિયાદપક્ષે કુલ 9 સાહેદો તપાસી 14 દસ્તાવેજી પુરાવા રજૂ કરી સરકારી વકીલ પ્રશાંત પટેલે સીસીટીવી ફૂટેજના પુરાવા તથા સાહેદો-પંચોને તપાસી પુરાવાની કડીઓ મેળવી કેસમાં પોતાની દલીલો રજૂ કરી કેસ પુરવાર કર્યો હતો. જેને ધ્યાને લઇ અદાલતે સજાનો હુકમ કર્યો હતો.