ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોના મૃત્યુઘંટ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 1 એકર એટલે કે અંદાજે રૂ. 50 કરોડની કિંમતની જગ્યામાં ફેલાયેલી ધમસાણીયા ગ્રાન્ટેડ કોલેજ બંધ કરવા માટે શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મેનેજમેન્ટ દ્વારા અગાઉ પત્ર લખવામાં આવ્યો હતો. જે મામલે આજે ABVP દ્વારા કોલેજ ખાતે હલ્લાબોલ કરી 7 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કોલેજ બંધ કરવા માટેની અરજી પરત ખેંચવામાં નહીં આવે તો જન આંદોલન-ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કોલેજના આચાર્ય સહિતના અધ્યાપકો દ્વારા પણ કોલેજ બંધ ન થાય તે માટે શૈક્ષણિક સંઘ મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. કોલેજમાં હાલ 456 વિદ્યાર્થીઓ નજીવી વાર્ષિક રૂ. 1200 ફી ભરી અભ્યાસ કરી રહ્યા છે અને દીકરીઓ માટે નિઃશુલ્ક શિક્ષણ છે અને 4 દીકરીઓ વિનામૂલ્યે અભ્યાસ કરી રહી છે. કોટેચા ટ્રસ્ટની આ જમીન 99 વર્ષની લીઝ પર છે.
1.94 એકર એટલે કે અઢી વિઘા જમીન પર ગ્રાન્ટેડ કોલેજ ચલાવવા માટે મહિને માત્ર રૂ. 3600 અને વાર્ષિક માત્ર રૂ. 49000 ભાડું ચૂકવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોલેજ મેનેજમેન્ટ એટલે કે સંચાલક કિરણ પટેલ દ્વારા કણસાગરા અને ભાલોડિયા કોલેજ ટ્રાન્સફર કરી ધમસાણીયા કોલેજમાં લાવવાનો વિચાર છે અને બાદમાં ઉપરોક્ત બંને કોલેજની જગ્યાએ SNK સ્કૂલ કેમ્પસ શરૂ કરવા માગતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન કોલેજ મેનેજમેન્ટના ડૉ. રાજેશ કાલરીયાએ વર્ષ 2025-26માં આ ગ્રાન્ટેડ કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રવેશ હજૂ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.