કેનાલ રિપેરિંગ માટે નર્મદાના નીર બંધ કરવાનો નિર્ણય

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આગામી એપ્રિલ અને મે મહિનામાં કેનાલ રિપેરિંગ માટે નર્મદાના નીર બંધ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે રાજકોટ શહેરમાં ભરઉનાળે પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે. જેના પરિણામે સર્જાનારી સંભવિત વિકટ પરિસ્થિતિ દૂર કરવા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ સહિતના મંગળવારે ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને રાજકોટ શહેરમાં ભરઉનાળે પાણીની કટોકટી ન સર્જાય તે માટે મચ્છુ-1માંથી પાણી આપવા પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા મંત્રી સમક્ષ ખોડો પાથર્યો હતો. જો રાજ્ય સરકાર આ મુદ્દે સાનુકૂળ નિર્ણય ન લ્યે તો ઉનાળામાં દરરોજ 20થી 25 ટકા રાજકોટ તરસ્યું રહે તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિના ચેરમેન અશ્વિન પાંભરે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં હાલમાં દૈનિક 440 એમએલડી પાણીની દૈનિક જરૂરિયાત છે. જેમાં આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત નર્મદાની પાઇપલાઇનમાંથી 135 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે. આમ શહેરની કુલ જરૂરિયાતના 33 ટકા પાણીનો જથ્થો નર્મદાની પાઇપલાઇનમાંથી કરાતો હોય તે બંધ થતા 33 ટકા રાજકોટવાસીઓને પાણી વિતરણની સમસ્યા ઊભી થાય તેમ જણાતા ઉનાળામાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે ગાંધીનગર ગયા હતા અને પ્રભારી મંત્રી રાઘવજી પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને મળીને એવી રજૂઆત કરી હતી કે, નર્મદાની મુખ્ય લાઈન બંધ થવાની ત્યારે મચ્છુ-1માંથી પાણી નહીં મળે તો રાજકોટ ભરઉનાળે તરસ્યું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *