રાજકોટ શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12ના બોર્ડના પેપરોની ચકાસણી 24 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપરથી શરૂ થઈ ચૂકી છે. જેમાં રાજકોટ જિલ્લાના ભાગે 4.25 લાખથી વધુ ઉત્તરવહી ચકાસણી માટે આવી છે. જેમાં 4,200થી વધુ શિક્ષકોના પેપર ચકાસણી માટેના ઓર્ડર થયેલા છે. જોકે તેમાંથી 500થી વધુ શિક્ષકોએ પેપર ચકાસણીમાંથી અલગ અલગ કારણોથી મુક્તિ માગી છે અથવા તો હાજર થયા નથી.
આજથી રાજકોટ શહેર અને જિલ્લામાં બોર્ડના પેપર ચકાસણીની શરૂઆત થઈ છે. ત્યારે અમુક શિક્ષકો કેન્સર સહિતની બીમારી વાળા દર્દીઓ હોવાથી તો સગર્ભા મહિલાઓએ પણ પેપર ચકાસણીમાંથી મુક્તિ માગી છે, પરંતુ અમુક શિક્ષકો પેપર ચકાસણીમાંથી છટકવા બહાના બતાવી હાજર જ થયા નથી. જેમ કે, તેમણે જે તે ખાનગી શાળામાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી શાળાઓના અપૂરતી લાયકાતવાળા શિક્ષકોના ઓર્ડર થયેલા છે.
મહત્વની વાત એ છે કે, જ્યારે બોર્ડના પેપરોની ચકાસણી થવાની હોય તેના આસપાસના 2 મહિના સુધી જે તે શિક્ષકને ખાનગી શાળાઓ દ્વારા દૂર કરવામાં આવે છે અને જેવી પેપર ચકાસણી પૂર્ણ થાય ત્યારબાદ તે શિક્ષક ફરી તે સ્કૂલમાં નોકરી કરવા લાગે છે. વચ્ચેના સમયગાળા દરમિયાનનો પગાર પણ સ્કૂલ દ્વારા શિક્ષકોને પાછલા બારણે આપવામાં આવતો હોય છે. આ રીતે ખાનગી શાળાઓ અને તેના શિક્ષકો બોર્ડને ઉંધા ચશ્મા પહેરાવે છે અને પેપર ચકાસણી માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પહોંચતા નથી.