ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસા અને ગૌ આધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રાજકોટની કિસાન ગૌશાળા અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. વૈદિક હોળી 13 માર્ચને ગુરુવારના રોજ રાત્રે 8 કલાકે શહેરના આજી ડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલી કિસાન ગૌશાળામાં કરવામાં આવશે. જેમાં ગાયના છાણથી બનાવવામાં આવેલી સ્ટિક ગૌ કાષ્ઠનો ઉપયોગ કરાશે.
સમાજમાં ગૌ સંરક્ષણ અને ગૌ સંવર્ધનનું મહત્ત્વ પુનઃસ્થાપિત કરવાના હેતુથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. વૈદિક હોળીમાં ગાયના છાણ અને લાકડાંનો ઉપયોગ કરવાથી પર્યાવરણ રક્ષા કરવામાં મદદરૂપ થશે. શાસ્ત્રો અનુસાર હોલિકા દહનમાં ગાયના છાણા અને હવન સામગ્રીનો ઉપયોગ કરવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે, નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. આ ઉપરાંત ગાયની પંચગવ્ય પેદાશો અપનાવી ગૌ શાળાને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપવામાં આવશે. જીસીસીઆઇ અને કિસાન ગૌશાળા તેમજ કાર્યકરોને આ વૈદિક હોળી ઉત્સવમાં ભાગ લેવાની અપીલ કરાઇ છે.
રાસાયણિક રંગોથી બચવા અને સ્વ-આરોગ્યની સંભાળ લેવા માટે 14 માર્ચે ગૌમય ધુળેટીનું આયોજન કરાયું છે. જેમાં રંગને બદલે ગૌમૂત્ર અને ગોબરથી ધુળેટી રમાડવામાં આવશે. ગૌમય સ્નાનથી માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા મળે છે.