ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલામાં પિતા-પુત્રને માર માર્યા બાદ પુત્ર ગુમ થઈ ગયો હતો જેનો મૃતદેહ રાજકોટથી મળી આવતા બહેન અને પિતાએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ પૂર્વ ધારાસભ્યનો કોઈ રોલ ન હોવાનું જણાવ્યું છે. ઘટનાના પ્રત્યક્ષદર્શી અને મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે કહ્યું કે મને બે લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાવ. તો મૃતકની બહેને ગોંડલ PI સાથે થયેલી વાતના આધારે આક્ષેપ કર્યો હતો કે PIએ જયરાજસિંહ જાડેજાના બંગલોના સીસીટીવી જોયા હોવાનું મને જણાવ્યું હતું અને કહ્યું હતું કે CCTVમાં યુવકને મારતા દેખાય છે.
આ મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે પણ X પર સીબીઆઇ તપાસની માગ કરી સંસદમાં આ મુદ્દો ઉઠાવવા જણાવ્યું તો વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહને પત્ર લખ્યો છે, જેમાં 116ની નોટિસ હેઠળ ગોંડલમાં યુવકના મોત મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માગ કરી છે. ત્યારે આ બધા વચ્ચે હવે પરિવાર મૃતક યુવકનો મૃતદેહ લઇને પોતાના વતન રાજસ્થાન નીકળી ગયો છે પણ પાછળ એક સળગતો સવાલ રહી ગયો છે કે આ આખા વિવાદમાં હવે “સિસ્ટમ સાચી કે મૃત પુત્રનો રોતો બાપ”
ગોંડલથી ગત 3 માર્ચે રાજકુમાર રતનલાલ ચૌધરી (જાટ) નામનો યુવક ગુમ થયો હતો. રાજકુમાર ઘરેથી ભેદી રીતે ગુમ થયો હોવાની પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. તેમજ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે બાઈક ઊભું રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. જોકે, આ ઘટનાના બીજા દિવસે રાજકુમાર ગુમ થતા પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. UPSCની તૈયારી કરતો પુત્ર ગુમ થતા જ પરિવાર ચિંતિત હતો.