સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ડિસેમ્બરમાં દેશભરની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી, શિક્ષકોની સંખ્યા, કેન્દ્રીય બોર્ડના નિયમોનું પાલન થાય છે કે કેમ તે તપાસવા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ જે શાળાઓ કેન્દ્રીય બોર્ડના નિયમોનું પાલન કરતી ન હતી તેની સામે કડક કાર્યવાહી કરી છે જેમાં રાજકોટની બે CBSE સ્કૂલ સહિત રાજ્યની 14 જેટલી શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય કરાયો છે. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાછળ, લાલપરી ખાતે આવેલી બી.એમ. ક્યાડા સ્કૂલમાં ધોરણ 11-12 અને અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક આવેલી આર્યવીર ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 9-10નું એફિલેશન CBSEએ રદ કર્યું છે.
ગુજરાત સહિત દેશભરમાં CBSE સ્કૂલોમાં કેન્દ્રીય બોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટની પણ અલગ અલગ સ્કૂલોમાં CBSE દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી સામે આવી હતી. વિદ્યાર્થીઓની ગેરહાજરી હોવાથી સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી જે તે સમયે સ્કૂલને નોટિસ ફટકારી હતી. સ્કૂલમાં માત્ર વિદ્યાર્થીઓનું નામ બોલતું હોય, પરંતુ ખરેખર વિદ્યાર્થી શાળાએ આવતા ન હોય, અથવા માત્ર ટ્યૂશન ક્લાસીસમાં જ અભ્યાસ કરતા હોય એવા કારણો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત બોર્ડના નિયમ મુજબ શિક્ષકોની સંખ્યા ન હોય, લેબોરેટરી ન હોય, ક્લાસરૂમમાં સુવિધા-વ્યવસ્થા ન હોય, જરૂરી સાધન-સામગ્રી ન હોય તો પણ બોર્ડ કડક કાર્યવાહી કરે છે.