ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં આજે 8 માર્ચના રોજ વિજ્ઞાન વિષયનું પેપર હતું. આ પેપર ઘણુ સહેલું હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું. તેમજ અન્ય પેપર કરતા આ પેપર ટૂંકું હોવાને કારણે છાત્રોને અડધો કલાક પહેલાં જ પેપર લખવાનું પૂર્ણ થઈ ગયું હતું. સામાન્ય રીતે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનાં પેપરનો વિદ્યાર્થીઓમાં ખૂબ જ ડર જોવાતો હોય છે. જોકે, આજે વિજ્ઞાનનું પેપર સહેલું તેમજ ટૂંકું અને પેપરમાં કોઈપણ પ્રિન્ટિંગ મિસ્ટક નહીં હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો સાથે નિષ્ણાંત શિક્ષકોએ પણ પેપરને સરળ હોવાનું જણાવ્યું છે.
આયુષ મિતેષભાઈ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આજે પેપર ખૂબ જ સહેલું હોવાની સાથે સાથે પ્રમાણમાં ટૂંકું પણ હતું. તેમજ આ પેપરમાં કોઈપણ પ્રકારની પ્રિન્ટિંગ મિસ્ટેક પણ નહોતી, જેના કારણે મારે અડધોથી પોણો કલાક પહેલા જ પેપર લખાઈ ગયું હતું. મોટાભાગના પ્રશ્નો સ્વાધ્યાય પોથી અને બુક્સમાંથી જ પૂછવામાં આવ્યા હોવાને કારણે મારુ પેપર ખૂબ જ સારું ગયું છે. આ વિષયમાં સારા માર્ક્સ આવવાની મારી ધારણા છે.