દેશમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મહાપાલિકાનાં પદાધિકારીઓ દ્વારા આજે મનપા સંચાલિત સિટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેંટ આપવામાં આવી છે. જેને લઈ સવારથી શહેરના અલગ-અલગ રૂટો પર મોટા પ્રમાણમાં યુવતિઓ અને મહિલાઓએ મનપાની આ ભેંટનો લાભ ઉઠાવ્યો હતો અને મનપાની આ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમજ આ સિટી બસ સેવાથી રિક્ષા ભાડાનાં રૂપિયાની બચત થતી હોવાનો દાવો કર્યો હતો.
બીજીતરફ જનાના હોસ્પિટલમાં આજે જન્મ લેનાર તમામ બાળકીઓને પૂર્વ કોર્પોરેટર વિજય વાંક દ્વારા સોનાની ચૂંક, ગુલાબનું ફૂલ અને શુદ્ધ ઘી સહિતની ભેંટ આપી મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
મનપાની સુવિધાથી બહેનોને મોટી મદદ મળે છેઃ જાનવી જોશી સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ લેનાર મહિલા જાનવી જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા આજે મહિલા દિવસ નિમિત્તે બહેનોને ફ્રી મુસાફરીનો લાભ અપાઈ રહ્યો છે, તે ખૂબ સારી બાબત છે. મનપાની આ સુવિધાથી બહેનોને મોટી મદદ મળે છે અને રિક્ષા ભાડાની બચત થાય છે. કોર્પોરેશન દ્વારા મહિલા દિવસ ઉપરાંત રક્ષાબંધન અને ભાઇબીજનાં તહેવારે પણ આ ભેંટ આપવામાં આવે છે. જેનો શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં લાભ લે છે. આ સિવાય પણ વિદ્યાર્થીઓ માટે પાસ અને સિનિયર સીટીઝનો માટે કાયમી ફ્રી મુસાફરી આપવામાં આવે છે જે ખરેખર ખૂબ સારી બાબત છે.