ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.10 અને ધો.12ની પરીક્ષા અંતિમ ચરણમાં છે અને તા.13 માર્ચ સુધીમાં મુખ્ય પેપરની પરીક્ષા લેવાઇ જાય છે, પરંતુ બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી રાજકોટમાં 12 માર્ચથી શરૂ થવાની છે. ધોરણ-10માં 6 વિષય, ધોરણ-12 સાયન્સના 4 વિષય અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5 વિષયના પેપરની રાજકોટની જુદી-જુદી શાળાઓમાં ચકાસણી થશે.
પેપર ચેકિંગ પારદર્શક રીતે થાય તે માટે બોર્ડ દરેક જિલ્લાની ઉત્તરવહી અન્ય જિલ્લા સાથે અદલા-બદલી કરી દેશે. ધોરણ-10 અને 12માં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. હવે પેપર ચેકિંગ માટે શિક્ષણબોર્ડે આ વર્ષે રાજ્યના 69,284 જેટલા શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે જ્ઞાન સહાયકોને પણ બોર્ડના પેપર ચેક કરવાની કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. દરેક જિલ્લાના વિદ્યાર્થીઓની ઉત્તરવહી તે જ જિલ્લામાં ચેકિંગ ન થાય અને પારદર્શિતા જળવાય તે માટે દરેજ જિલ્લાની ઉત્તરવહી અન્ય જિલ્લા સાથે અદલાબદલી કરી દેવામાં આવશે.