જામનગર જિલ્લા જેલમાં 31 જાન્યુઆરીએ અનિરૂધ્ધસિંહ જાડેજા અને રાજકોટના ભૂપત ભરવાડ સહિત ત્રણ શખ્સ બે કેદીને મળ્યાના મામલામાં પોલીસે શુક્રવારે ભૂપતને બોલાવી તેની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું, તેમજ પોલીસે કરેલા ચેકિંગમાં બંને કેદી પાસેથી મળેલી વસ્તુઓના મામલે તપાસ ચાલી રહી છે અને આ મુદ્દે પણ આગામી દિવસોમાં ગુનો નોંધાશે તેવા નિર્દેષ મળી રહ્યા છે.
જામનગર જિલ્લા જેલમાં જેલર સહિતનાઓની મીલીભગતથી રીબડાનો અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજકોટનો ભૂપત ભરવાડ અને અન્ય એક શખ્સ જેલમાં રહેલા બે કેદી રજાક અને યશપાલસિંહ જાડેજાને મળ્યા હતા, આ અંગેની માહિતી મળતાં જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતનો કાફલો જેલે પહોંચ્યો હતો અને તપાસ કરતાં જેલર સહિતનાઓનો ભાંડો ફૂટી ગયો હતો, પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા જેમાં ત્રણેયને ગેરકાયદે જેલમાં પ્રવેશવા દેવાયાનું સ્પષ્ટ થયું હતું.
આ મામલે જામનગર સિટી એ.ડિવિઝન પોલીસે ભૂપત ભરવાડને નોટિસ ફટકારી હાજર થવા ફરમાન કર્યું હતું, શુક્રવારે ભૂપત ભરવાડ પોલીસ સમક્ષ હાજર થયો હતો, પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું, અનેક ગુનામાં અગાઉ સંડોવાયેલા ભૂપતની જામનગર પોલીસે આગવીઢબે સરભરા કરી હતી, ભૂપતે ભવિષ્યમાં આવી ક્યારેય ભૂલ નહી કરે અને હવે કયારેય નહીં આવે તેવી બે હાથજોડીને માફી માગી હતી. પોલીસ બોલાવે ત્યારે ફરીથી હાજર થવાની શરતે ભુપતને જવા દેવાયો હતો.