રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત સૈનિક સાથે પૂણેના યેરવડા ખાતે રહેતા ભારતીય સેનામાંથી ડીસમીસ કરી દેવાયેલા કર્નલે રૂ.11.40 લાખની છેતરપિંડી આચરી હતી, તેમજ ફૌજના અન્ય ત્રણ અધિકારીને પણ વિશ્વાસમાં લઇ તેમની સાથે પણ ઠગાઇ કરી કુલ રૂ.1.46 કરોડની છેતરપિંડી આચરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મવડીના બાલાજી હોલ પાસેના ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત ફૌજી હિતેશ મુંગરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને તા.31 માર્ચ 2020ના નિવૃત્ત થઇને રાજકોટ આવી ગયા હતા. જુલાઇ 2020માં કર્નલ ધનાજી પાટીલનો ફોન આવ્યો હતો અને નિવૃત્તિ પછી જે પૈસા આવવાના છે તે મને આપજે પૈસા હું સારી જગ્યાએ રોકાણ કરીશ અને દર મહિને 8 ટકા જેટલું 30 મહિના સુધી વળતર આપીશ અને દર ત્રણ મહિને અમુક ટકા રકમ પણ પરત આપતો જઇશ. કર્નલ ધનાજી પર વિશ્વાસ કરી હિતેશ મુંગરાએ કટકે કટકે રૂ.41 લાખ આપ્યા હતા, જો કે, ધનાજીરાવે રૂ.17 લાખ પરત આપ્યા હતા, બાદમાં તેલંગાણામાં આવેલો રૂ.12.60 લાખનો પ્લોટ હિતેશ મુંગરાના નામે કરી દીધો હતો, જોકે બાકીના રૂ.11.40 લાખ ચૂકવ્યા નહોતા. આ ઉપરાંત કર્નલ ધનાજીરાવે સેનાના અન્ય અધિકારી-કર્મચારીને છેતર્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે આર્મી હેડકવાર્ટરમાં ફરિયાદ કરતા ધનાજીરાવને તા.19મે, 2023ના સેનામાંથી ડિસમીસ કરી દેવાયા હતા. પોલીસે કર્નલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.