શહેરમા઼ રૈયા રોડ પર છોટુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સુરેશ રમેશભાઇ વડેચા (ઉ.21) એ પોતાના ઘર સામે બંધ પડેલા કાકા વિનોદભાઇના મકાનની અગાશીના કાંગરામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મૃતક યુવક પાંચ ભાઇ અને બે બહેનોમાં વચેટ હોવાનું અને અપરિણીત હતો તથા છૂટક શાક બકાલાનો ધંધો કરતો હતો. મૃતક યુવકને જુગાર રમવાની કુટેવ હોય અને જુગારમાં સાતેક હજાર હારી જતા ચિંતામાં હોય બુધવારે સવારે ઘેરથી નીકળી ગયો હોય પરિવારે તેની શોધખોળ કરી હતી. બાદમાં સાંજે યુવકે તેના ભાઇને ફોન કરીને આ મારો છેલ્લો ફોન છે. હવે હું આજી ડેમમાં પડીને મરી જઇશ, મેં તમને બહુ હેરાન કર્યા છે. અામ કહી ફોન કટ કરી નાખ્યો હતો.
પરિવાર તેને શોધવા આજી ડેમ પર ગયા હતા, પરંતુ યુવક નહીં મળતા પરત ઘેર આવ્યા હતા અને તેના ઘર સામે કાકાનું બંધ ઘર હોય શંકા જતા તપાસ કરી હતી જેમાં દરવાજો અંદરથી બંધ હોય ખખડાવતા નહીં ખોલતા પરિવારે દરવાજો તોડીને અંદર જતા ધાબાના કાંગરા પર લટકતો મળી આવતા તેને ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ જીવ બચી શકયો ન હોવાનું તેના પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.