ફેબ્રુઆરીમાં લોકોએ આકરો તાપ સહન કર્યા બાદ એકાએક બુધવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીની લહેર ફરી વળતા લોકોએ સુસવાટાભર્યા ઠંડા વાતાવરણનો અનુભવ કર્યો હતો. મંગળવારે રાત્રીથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને બુધવારે વહેલી સવારથી લોકોએ શિયાળા જેવા માહોલનો અનુભવ કર્યો હતો. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડક છવાઈ છે. રાજકોટમાં એક જ દિવસમાં 6 ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું. 4 માર્ચને મંગળવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે 5 માર્ચને બુધવારે ઘટીને 13.9 ડિગ્રી થઇ જતા લોકોએ ઉનાળાના મહિનામાં શિયાળાનો અનુભવ કર્યો હતો. હવામાનની આગાહી પ્રમાણે 7 માર્ચ પછી તાપમાન વધશે, લોકોએ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે રાજકોટમાં મંગળવારે રાત્રેથી સુસવાટાભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ઠંડીની વિદાય વેળાએ એકાએક ઠંડા પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવા માહોલની અસર વર્તાઈ હતી. જેને કારણે એક જ દિવસમાં રાજકોટનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી ગગડ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઠંડક અનુભવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ આકરી ગરમી સહન કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી ગતિએ પવનો ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.