શહેરમાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ બેફામ બનેલા તસ્કરોએ યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકીની સામે આવેલા ક્લિનિકને નિશાન બનાવી રૂ.1.25 લાખની મતા ચોરી ગયાની ફરિયાદ થઇ છે. પખવાડિયા પૂર્વે ક્લિનિકમાંથી મોબાઇલની ચોરી થઇ હતી, પરંતુ તબીબે ફરીયાદ ન કરતા તસ્કરોની હિંમત વધી અને ફરી ક્લિનિકમાં હાથફેરો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા ડો.દિલીપભાઇ ફલાભાઇ પટેલે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ કરી હતી. તા.21 ફેબ્રુઆરીએ તેના યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકીની સામે સિટી શોપ બિલ્ડિંગમાં પહેલા માળે દાંતનું ક્લિનિક બંધ કરી બીજા દિવસે સવારે ક્લિનિકે આવ્યા હતા ત્યારે તેના ક્લિનિકના પાછળની સાઇડની બારીમાંથી કોઇ તસ્કરોએ પ્રવેશ કરી ટેબલના ખાનામાંથી મોબાઇલની ચોરી કરી હતી. બનાવમાં તેને કોઇ ફરિયાદ કરી ન હતી.
દરમિયાન તા.3-3ના રોજ મોડી રાત્રીના ક્લિનિકની બારીમાંથી તસ્કરોએ ઘૂસી ડ્રોઅરમાં રહેલા કેમેરા તેમજ લેન્સ સહિત રૂ.1.25 લાખની મતાની ચોરી કરી ગયાનું જણાવતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બેલીમ સહિતે ગુનો નોંધી તસ્કરોને પકડી લેવા કાર્યવાહી કરી છે.