રાજકોટ જિલ્લાની પાંચ પાલિકાના આવતી કાલે તા.5ના રોજ પ્રમુખ, ઉપપ્રમુખના નામની જાહેરાત ગાંધીનગરથી થવાની છે ત્યારે દિવ્યભાસ્કરે અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખીને જેતપુરમાં કોને પ્રમુખ અને કોને ઉપપ્રમુખનો તાજ પહેરાવાશે તે નામની આગોતરી જાહેરાત કરી દીધી છે.
જેતપુરના બન્ને નવા સુકાનીના નામ દિવ્ય ભાસ્કર લઇ આવ્યું છે. જેમાં પ્રમુખ તરીકેનો તાજ વોર્ડ નં.8ના મેનાબેન રાજેશભાઇ ઉસદડિયાને અને ઉપપ્રમુખ તરીકેનો તાજ વોર્ડ નં.7ના સ્વાતિબેન સંજયભાઇ જોટંગિયાના શિરે મૂકવામાં આવનાર છે.
પાલિકાના આ બન્ને નવા સુકાનીઓના નામની વિધિવત જાહેરાત બાદ વિજય સરઘસ જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલા દેવ્યાનિ એપાર્ટમેન્ટથી નીકળશે અને શામનાથ મહાદેવ મંદિર પાસેથી દેસાઈ વાડી, સરદાર ચોક જઇ સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર કરી , બાવાવાળાપરા, ટાકુરીપરા પહોંચશે અને ત્યાં વિજય સરઘસને પૂર્ણ વિરામ આપવામાં આવશે તેવું આધારભૂત રાજકીય સુત્રમાંથી જાણવા મળ્યું છે.