શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર નજીક બાઇકને કારે ઉલાળતાં બાઇકચાલક રાજકોટના પોસ્ટમેનનું મોત નીપજ્યું હતું. મોરબીથી રાજકોટ નોકરી પર આવી રહ્યા હતા ત્યારે પોસ્ટમેનને રસ્તામાં કાળ આંબી ગયો હતો. પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ શરૂ કરી હતી.
મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ધર્મજીવન સોસાયટીના શિવમ હાઇટ્સમાં રહેતા રાજેશભાઇ શિવલાલભાઇ સુરાણી (ઉ.વ.54) સોમવારે બાઇક ચલાવીને રાજકોટ નોકરી પર આવવા નીકળ્યા હતા. મોરબી રોડ પર હડાળાથી રતનપર તરફ પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા હતા ત્યારે એક કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને બાઇકને ઉલાળ્યું હતું. કારની ઠોકરથી રાજેશભાઇ બાઇક પરથી ફંગોળાયા હતા અને તેમને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, બે ભાઇ અને એક બહેનમાં નાના રાજેશભાઇ સુરાણી રાજકોટના કોઠારિયામાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા હતા. રાજેશભાઇ મોરબી રહેતા હતા અને રાજકોટ અપડાઉન કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે.