રાજકોટના કેમિસ્ટ એસોસિએશનની વર્ષ 2025થી 2028ની નવી ટર્મની ચૂંટણી જાહેર થઇ છે. આગામી 12મીએ યોજાનાર ચૂંટણીમાં કુલ 1250 મતદાર છે. દવાના ધંધાર્થીઓ એવા મતદારો કુલ 40 કારોબારી સભ્ય પસંદ કરશે જેમાં 20 હોલસેલર્સ અને 20 રીટેલર્સનો સમાવેશ થાય છે.
કેમિસ્ટ એસોસિએશનની ચૂંટણી માટે કુલ 45 ફોર્મ ભરાઇને આવ્યા હતા. જેમાં ચકાસણીના અંતે 44 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. જ્યારે એક ફોર્મ રદ થયું છે. માન્ય રહેલા ઉમેદવારો માટે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 5 માર્ચ રાખવામાં આવી છે. એક રીતે જોઇએ તો 40 કારોબારી સભ્ય સામે 44 ફોર્મ માન્ય રહ્યા છે. જો 4 સભ્ય પોતાના ફોર્મ પાછા ખેંચી લેશે તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બિનહરીફ થઇ જશે. આખરી ચિત્ર 5મી સુધીમાં સ્પષ્ટ થઇ જવાનો અંદાજ છે. સંપૂર્ણ પેનલની વાત કરીએ તો મયૂરસિંહ જાડેજાના પ્રમુખપદ હેઠળ છેલ્લી ત્રણ ટર્મથી સતત બિનહરીફ રહેલી પેનલ આ વખતે પણ 40 કારોબારી સભ્ય સાથેની પૂર્ણ પેનલ તરીકે ચૂંટણીમાં ઉતરી છે. જેની સામે અન્ય ચાર ઉમેદવાર મેદાનમાં છે.