શહેરમાં રાજકોટના એક વિસ્તારમાંથી વિધર્મી શખ્સ સગીરાનું અપહરણ કરી ગયાની સગીરાની માતાની ફરિયાદ બાદ સગીરા અને શખ્સે આક્ષેપ સાથેનો વીડિયો વાઇરલ કર્યો હતો. બનાવને પગલે પ્ર.નગર પોલીસે માહિતીને આધારે સગીરાનું અપહરણ કરી નાસી જનાર પડધરીના શખ્સ સાથે તેના પિતરાઇ ભાઇને પણ પોલીસે પકડી લઇ બે સગીરાને મુક્ત કરાવી રાજકોટ લાવી બન્નેની ધરપકડ કરી આરોપી સામે પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના એક વિસ્તારમાંથી સગીરાનું પડધરી રહેતો સાહિલ નામનો શખ્સ અપહરણ કરી ગયાની સગીરાની માતાએ ફરિયાદ કરી હતી. જેમાં તેના સગીરાના મામા સાથે કામ કરતો શખ્સ અવારનવાર ઘેર આવતો હોય પરિચિત થયા હતા. બાદમાં ઘેરથી નીકળી સગીરાએ હું સાહિલ સાથે ખુશ છું તેવો માતાને ફોનમાં મેસેજ કર્યો હોવાનું જણાવતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વસાવા સહિતે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દરમિયાન સગીરાનું અપહરણ કરી નાસી જનાર પડધરીનો શખ્સ ગોરખપુર નજીક નેપાળ બોર્ડર પાસે હોવાની માહિતીને આધારે પીએસઆઇ બેલીમ સહિતના સ્ટાફે પહોંચી સાહિલ ઉપરાંત તેનો પિતરાઇ ભાઇ પડધરીના મોવૈયાના ઢોરા પાસે રહેતો યાસીન અનુભાઇ હાલાણી પણ અગાઉ સગીરાનું અપહરણ કરી ત્યાંથી મળી આવતા પોલીસે બન્ને શખ્સને ઝડપી લઇ બન્ને સગીરાને મુક્ત કરાવી હતી.