14 માર્ચથી ગુજરાતમાં આકરી ગરમી શરૂ થશે

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.

માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે, જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે. આ દરમિયાન સામાન્ય હીટવેવના દિવસો 6થી લઇ 15 દિવસ રહેવાની શક્યતા છે.

માત્ર માર્ચ મહિનાની સ્થિતિ જોઇએ તો હીટવેવ 1થી 5 દિવસ રહી શકે છે. સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો 2થી 6 દિવસના હોય છે તેમજ માર્ચ મહિના દરમિયાન અડધા દિવસથી લઇ 2 દિવસ હીટવેવના રહેતા હોય છે. રાજ્યમાં ઉનાળામાં 35થી લઇ 75 ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે. જ્યારે માર્ચમાં 55થી 75 ટકા સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે. ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા 33થી 45 ટકા હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *