ગાંધીગ્રામ પાસેના શ્યામનગરમાં શ્રી રેસિડેન્સિમાં રહેતા રીમાબેન ઉમેશભાઇ વાડોદરા (ઉ.વ.27) એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિણીતાના પિતાએ પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા પરેશભાઇ રતિભાઇ પરમારએ તેની પુત્રીના પતિ ઉમેશ નરશીભાઇ વડોદરા, સાસુ શારદાબેન, દિયર ધર્મેશ, દેરાણી ઉર્વીશાબેન સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી રીમાબેનના લગ્ન બેંકમાં નોકરી કરતા ઉમેશ સાથે સાતેક વર્ષ પહેલા કર્યા હતા. છેલ્લા એક વર્ષથી મારી પુત્રીને તેના પતિ સહિતના ત્રાસ આપતા હોય તેમજ ઉમેશને અન્ય સ્ત્રી સાથે સંબધ હોય જે અંગે પતિને સમજાવતા પતિએ મારકૂટ કરી હતી અને સાસુ સહિતના તેને મેણા મારતા હોય રીસામણે આવી હતી. જેથી તેના પતિ સહિતનાને સમજાવી તેને પરત મોકલી હતી. બાદમાં તેના પતિ ઉમેશએ તમારી પુત્રી સાથે માથાકૂટ થઇ છે જેથી તેના ઘેર જઇને સમજાવવાની વાત કરવા પુત્રીને ફોન કરતા તેના જમાઇએ ફોન ઉપાડયો હતો અને તમારી પુત્રીએ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું. આથી બાદમાં પુત્રીની વિધિ પૂર્ણ કરી ફરિયાદ કરતા પીએસઆઇ ગોહિલએ સાસરિયાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.