દેશભરમાં મહાશિવરાત્રિના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ આજે મહાશિવરાત્રિને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. રામનાથ મહાદેવ અને પંચનાથ મહાદેવ મંદિર સહિતનાં ઐતિહાસિક મંદિરોમાં રક્તદાન કેમ્પ અને ભાંગનાં પ્રસાદ તેમજ હવન સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. બપોર બાદ ભવ્ય શોભાયાત્રા પણ યોજાનાર છે.
રાજકોટના 150 વર્ષ જુના પંચનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મયુરભાઈ શાહના જણાવ્યા મુજબ પંચનાથ મહાદેવ મંદિર રાજકોટનું 150 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે. અહીં શ્રાવણ મહિનો તેમજ મહાશિવરાત્રિના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે-સાથે આજે પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 બોટલ કરતા વધુ રક્ત એકત્ર થવાની શક્યતા છે. જ્યારે આજે દેવાધિદેવ મહાદેવનો પ્રસાદ ગણાતી ભાંગનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ભક્તો માટે 1,000 લીટર કરતા વધારે દૂધમાંથી સાત્વિક ભાંગ બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં શિવભકતો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.