ઉપલેટા તાલુકાના બે ગામ ગઢાળાથી કેરાળા અને મોટી વાવડી સુધીનો રોડ વર્ષોથી બીસ્માર અને જર્જરિત બની ગયો છે અને છેલ્લા 20 વર્ષથી સ્થાનિક લોકો આ પીડા ભોગવી રહ્યા છે અને વારંવાર આ અંગે રજૂઆતો કરી હોવા છતાં સંબંધિત તંત્રને કશી જ મનમાં નથી. લોકો સવાલ કરી રહ્યા છે કે વિકાસના મીઠાં ફળ શું શહેર માટે જ હોય, તેમાં ગામડાના લોકોને ભાગ નહીં જ આપવાનો?! લોકોને સતત પીડા અને યાતના આપતા આ મુદાને ગઢાળાા પૂર્વ સરપંચે ફરી ઉઠાવ્યો છે અને આ બન્ને ગામના લોકોને સારા, ડામર પેવર રસ્તાની ભેટ આપવા માગણી કરી છે. ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે જણાવ્યું હતું કે આજે છેલ્લા 20 વર્ષથી કેરાળા ગઢાળા મોટી વાવડી ગામને જોડતો રસ્તો ભંગાર હાલતમાં છે.
આ જો ડામર રોડ કરવામાં આવે મોટી વાવડીથી ભાયાવદર તરફ જવાનો રસ્તો શોર્ટકટ બને તેમ જ કેરાળાથી મોટી વાવડી ફક્ત ત્રણ કિલોમીટર હોય આ રસ્તો ડામર રોડ બનાવવા માટે 20 વર્ષથી બે ગામના લોકો સતત માગણી કરી રહ્યા છે તેમજ કેરાળાના સરપંચ વિક્રમભાઈએ પણ અનેક વખત આ બાબતને સત્તાવાળાઓને રૂબરૂ રજૂઆત પણ કરી છે, તેમ છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી. મોટી વાવડી તરફથી અનેક મુસાફરો સીદસર પગપાળા યાત્રાળુઓ જતા હોય છે ત્યારે આ રસ્તો અત્યારે મેટલ રસ્તો હોય આ રસ્તો ડામર રોડ બનાવવા પૂર્વ સાંસદ હરિભાઈ પટેલને પણ રજૂઆત કરી હતી આ રસ્તો વહેલી તકે ડામર રોડ થાય તેવી બે ગામના લોકો માગણી કરી રહ્યા છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા આ બાબતની ગંભીરતા સમજીને આ મુદે સંબંધિતોને સુચના આપી યોગ્ય કરાવે તેવી સ્થાનિકોની લાગણી અને માગણી છે.