ગઈકાલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળી. દુબઈમાં રમાયેલી આ મેચમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ સ્પોટ થયાં હતાં, જેમાં વિવેક ઓબેરોય, ઉર્વશી રૌતેલા, ચિરંજીવી અને પુષ્પા 2ના દિગ્દર્શક સુકુમારનાં નામ સામેલ છે, પરંતુ ફેન્સનું સૌથી વધુ ધ્યાન ખેંચનાર સેલિબ્રિટી જાસ્મિન વાલિયા હતી, જેને હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે.
રૂમર્ડ ગર્લફ્રેન્ડે હાર્દિક પંડ્યાને આપી ફલાઇંગ કિસ! પંડ્યાએ આ મેચમાં ભારતને પહેલી વિકેટ અપાવી હતી. જ્યારે હાર્દિકે 9મી ઓવરમાં બાબર આઝમને આઉટ કરીને ભારત માટે મોટી વિકેટ અપાવી હતી. જ્યારે 11મી ઓવર હાર્દિકે પૂરી કરી બાદમાં કેમેરો બ્રિટિશ સિંગર-એક્ટ્રેસ તરફ ફર્યો અને તે ફલાઇંગ કિસ આપતી જોવા મળી, જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે જાસ્મિન વાલિયાએ હાર્દિકને આ ફલાઇંગ કિસ આપી હતી.
મેચ દરમિયાન જાસ્મિન વાલિયા વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે બ્લેક ચશ્માં પહેર્યાં હતાં અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેચ દરમિયાન તે ભારતીય ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ નતાશા સ્ટેન્કોવિકથી છૂટાછેડા લીધાનાં થોડાં અઠવાડિયાં પછી ગ્રીસ વેકેશનના ફોટો સામે આવ્યા ત્યારથી બંનેની લવસ્ટોરી ચર્ચામાં છે.