કેન્દ્ર સરકારના સડક, પરિવહન અને રાજમાર્ગના મંત્રી અજય ટમટા રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવેના કામમાં વિલંબને લઈને ચર્ચા કરી હતી તેમજ આ સ્ટેટ હાઇવેની ઝડપી કામગીરીની ખાતરી આપી હતી. જ્યારે જેતપુર હાઈવે પર અવારનવાર થતો ટ્રાફિકજામ નિવારવા જરૂરી પગલાં લેવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને આદેશઆપ્યો હતો.
કેન્દ્રીય રાજ્યમંત્રીએ અમદાવાદ રાજકોટ હાઈવેના કામમાં વિલંબ અંગે જણાવ્યું હતું કે, કોઈપણ રસ્તાને પહોળો કરવાની કામગીરી શરૂ કર્યા બાદ જમીન સંપાદનની પ્રક્રિયા અતિ જટિલ હોય છે. અનેક નિયમો ઉપરાંત ઘણીવાર કોર્ટ કચેરી સહિતના બનાવો બનતા હોય છે અને યોગ્ય સમયે જમીન નહીં મળતા આવી કામગીરીમાં વિલંબ થાય છે.
જોકે આ હાઈવે માટે જમીન સંપાદન કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં વિલંબ થવા અંગે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત રાજકોટ-જેતપુર વચ્ચે દરરોજ બેથી ત્રણ કલાક સુધી ટ્રાફિકજામ થાય છે. આ અંગે કેન્દ્રીય રાજ્યમંત્રીએ અધિકારીને ભરૂડી ટોલનાકા પીપળિયા પાસે, ગોંડલથી બહાર નીકળતા, ભુણાવા ગામ પાસે, ગોમટા ગામ પાસે યોગ્ય રીતે ડાયવર્ઝન મૂકવા સહિતના પગલાંઓ લેવા આદેશ આપ્યા હતા.