ગોંડલમાં કૌટુંબિક વિવાદે હિંસક ઘટના સામે આવી છે. મિલન પાર્કમાં રહેતા અતુલભાઇ ઉર્ફે કાળુભાઈ મકવાણા (ઉ.36) પર તેમના બનેવી અને સાથીએ ધોકાથી હુમલો કર્યો છે.
અતુલભાઈ બુટ ભવાની ટ્રેડીંગ નામની પેઢી દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં લાકડાનો વ્યવસાય કરે છે. તેમની બહેન કાજલના લગ્ન 2011માં ચોટીલાના હિતેષ ધોરીયા સાથે થયા હતા. કાજલ છેલ્લા એક મહિનાથી પિયર આવી રીસામણે બેઠી છે.
ઘટના દિવસે અતુલભાઈ જામવાડી જીઆઈડીસીમાં ડ્રાઈવરને ભાડું આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ટીવીએસ શોરૂમ પાસે ત્રણ શખ્સો બાઈક પર આવ્યા હતા. તેમાં બનેવી હિતેષ ધોરીયા અને તેના સંબંધી જયરાજ મકવાણા હતા. બંને જણાએ ધોકા વડે અતુલભાઈ પર હુમલો કર્યો હતો.
આડેધડ ઘા ઝીંકવાથી અતુલભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્ની રીસામણે જવાના મનદુઃખમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.