ગોંડલમાં યુવાન પર બનેવી સહિતના શખ્સોએ ધોકાથી હુમલો કરતાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગોંડલ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. પત્ની રીસામણે જતી રહેતાં પતિ રઘવાયો થયો હોવાનું અને ગુસ્સામાં સાળા પર હુમલો કર્યાનું સામે આવ્યું હતું.
ગોંડલમાં નેશનલ હાઇવે પર મિલન પાર્કમાં રહેતાં અતુલભાઇ ઉર્ફે કાળુભાઈ મકવાણા (ઉ.વ.36) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેષ સામત ધોરીયા અને જયરાજ મકવાણા (રહે.બંને ચોટીલા) નું નામ આપતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, બુટ ભવાની ટ્રેડીંગ નામની પેઢી ધરાવી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લાકડા નાખવાનો ધંધો કરે છે.
તેઓ બે ભાઈ અને એક બહેન છે. તેમની બહેન કાજલના લગ્ન વર્ષ 2011 માં ચોટીલાના હિતેષ ધોરીયા સાથે કરેલ હતા. તેણી હાલ એક મહીનાથી રીસામણે છે. સવારમાં જામવાડી જીઆઈડીસીમાં લાકડાની ગાડી ખાલી કરવા મોકલી હતી. તેઓ તેના પુત્ર માધવને લઇને દુકાને ભાગ લેવા જતો હતો તે વખતે ડ્રાઇવરનો ફોન આવ્યો કે, મારું ભાડુ આપી જાવ જેથી તેઓ ગાડીનુ ભાડુ આપવા માટે કનૈયા હોટલ, જામવાડી ચોકડીએ ગયા હતા.
ત્યાંથી તેઓ ઘરે આવતા હતા ત્યારે ટી.વી.એસ. શો રૂમ પાસે પહોંચતા અચાનક પાછળથી એક ત્રિપલ સવાર બાઇકમાં ઘસી આવેલા શખ્સોએ તેમને રોકવા માટે અવાજ આપ્યો હતો, જેથી તેઓ ઉભા રહી ગયેલા હતાં.તે બાઈકમાંથી તેમના બનેવી હિતેષભાઈ પોરીયા પોતાના હાથમાં ધોકો લઈ નીચે ઉતર્યો હતો અને તેની સાથે તેના સંબધી જ્યરાજ મકવાણા પણ ધોકો લઈ આવ્યો હતો અને ધોકાથી મારામારી કરી દીધી હતી.