જેતપુરના ખોડપરામાં લેડીઝ દરજી કામ કરતા યુવકની દુકાન સામે બેસી રહેતા યુવાનને ત્યાં બેસવાની ના પાડતા આ યુવકે દરજી યુવાન પર હુમલો કરી માથા તેમજ આંખના ભાગે ચાવી વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હોવાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
શહેરના ખોડપરા વિસ્તારમાં દુકાન ધરાવતા નિરવભાઈ હિંગુ ની દુકાનમાં લેડીઝના કપડાં સિવાતા હોય ત્યાં મહિલાઓ દુકાને આવતી હોય છે. આ દુકાનની સામે જ અયુબ સોયેબભાઈ ઉધી નામનો શખ્સ તેમના મિત્રો સાથે મોટર સાયકલ ટેકવી તેમના પર બેસી રહેતા હતાં. જેથી અહીં મહિલાઓ કપડાં સિવડાવવા માટે આવતી હોય અહીં બેસવું નહિ તેમ જણાવ્યું હતું. આ વાતનો ખાર રાખી અયુબે તું મારી સામે શું જોયા રાખે છે તેમ કહી નિરવભાઈની સાથે ઝપાઝપી કરી તેમની પાસે રહેલ બાઇકની ચાવી વડે આંખની નીચેના ભાગે તેમજ માથાના ભાગે હુમલો કર્યો. જેના કારણે નિરવભાઈને માથા તેમજ આંખ પાસેથી લોહી વહેવા લાગતા ત્યાં રહેલ લોકોએ અયુબના વધુ મારથી બચાવ્યા હતાં. આ અંગે પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયા હતાં. પોલીસે ફરિયાદ પરથી અયુબ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.