શહેરમાં લુખ્ખાઓ બેકાબૂ બન્યા હોય તેમ ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં યુવક પર સાત શખ્સએ છરી, પાઇપ વડે હુમલો કરી મકાનમાં તોડફોડ કરતા માલવિયાનગર પોલીસે સાત શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એસ.ટી. વર્કશોપ પાસેના આંબેડકરનગરમાં રહેતા દેવલ લગધીરભાઇ મકવાણા (ઉ.23) રાત્રીના તેની પત્ની પાયલ સાથે પગપાળા તેના વિસ્તારમાં રહેતા મામાના ઘેર જતા હતા તે દરમિયાન હિરેન, બિપીન અને કૈલાસ તેને જોઇને ગાળો બોલતા હોય જેથી દેવલએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સે ઝઘડો કર્યો હતો અને હિરેને છરી વડે હુમલો કરી ફોન કરી અન્ય આરોપીઓને બોલાવી પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવની જાણ થતા તેના મામા રણજિતભાઇ તેને છોડાવવા આવતા તેને પણ મારકૂટ કરી તેના મકાનમાં તોડફોડ કરી નાસી ગયા હતા. બનાવમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા માલવિયાનગર પોલીસે હિરેન પરમાર, બિપીન સોલંકી, કૈલાસ પરમાર, બાબુ રાઠોડ, ગટુ મકવાણા, અરૂણ બારોટ અને વિનુ બારોટ સહિતના શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.