રાજકોટના બેડી ગામે રહેતા વૃદ્ધાને તેના પૌત્રએ છરી બતાવી મારકૂટ કરી ધક્કો મારી પછાડી દેતા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પિતા સાથે પૈસા બાબતે ઝઘડો કરતા પૌત્રને સમજાવવા જતા હુમલો કર્યો હોવાનું બહાર આવતા કુવાડવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેડી ગામે રહેતા દૂધીબેન નરશીભાઇ સોલંકી (ઉ.70) તેના ઘેર હતા ત્યારે બાજુમાં રહેતા પુત્ર સુખાભાઇના ઘેર દેકારો થતા તે ત્યાં ગયા હતા ત્યારે પુત્ર સુખાભાઇ સાથે તેનો પુત્ર કિશન અને તેની પત્ની કોમલ ઝઘડો કરતા હતા અને કિશન છરી લઇને તેના પિતાને મારવા જતો હોય જેથી તે વચ્ચે પડી સમજાવતા હોય કિશને તેની સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી બતાવી ધક્કો મારી પછાડી દેતા તેને ઇજા થઇ હતી બનાવમાં દેકારો થતા પૌત્ર ભાગી ગયો હતો. દરમિયાન તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના જમાદાર નારણભાઇ સહિતે પૂછતાછ કરતા પૌત્ર કિશન તેના પિતા સુખાભાઇ પાસે પૈસા માગતો હોય અને પૈસા નહીં આપતા માથાકૂટ કરી હોવાનું પરિવારે જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.