શહેરની ભાગોળે મવડી-પાળ વિસ્તારમાં રહેતા 40 વર્ષના શખ્સે 20 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે શરીરસંબંધ બાંધી લીધા હતા અને બાદમાં અન્ય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આરોપીના જે દિવસે બીજા લગ્ન હતા એ દિવસે જ પૂર્વ પ્રેમિકાએ ફરિયાદ કરી હતી. પોલીસે લગ્નના બીજા દિવસે આરોપીની ધરપકડ કરી હતી.
શહેરમાં રહેતી 20 વર્ષની યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મવડી-પાળ રોડ પર રહેતા દિલીપ નાનજી ચાવડા (ઉ.વ.40)નું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં પોતે પોતાના પાળતું શ્વાનને લઇને ચક્કર મારવા નીકળતી હતી ત્યારે દિલીપ તેની સામે જોયા કરતો હતો અને એક દિવસ તેણે મોબાઇલ નંબર માગી લીધો હતો.
બાદમા બંને વોટ્સએપ પર વાત કરવા લાગ્યો હતો. દિલીપ કહેતો હતો કે,‘મારે તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે, હું જીવનમાં એકલો છું, મારા ઘરના મને સમજતા નથી, હું સારો માણસ છું’ બાદમાં યુવતી તેની સાથે વાતચીત કરવા લાગી હતી. એક વખત યુવતી રૂબરૂ મળી ત્યારે દિલીપે ખરાબ વાત કરતાં યુવતીએ તેનો નંબર બ્લોક કરી નાખ્યો હતો, પરંતુ બાદમાં ફરીથી બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થઇ ગયો હતો.
ગત 22 જાન્યુઆરીના યુવતી તેના ઘરે એકલી હતી ત્યારે દિલીપ ઘરમાં ઘૂસી ગયો હતો અને કહ્યું હતું કે,‘મારા ઘરનાએ મારા બીજા લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યા છે, પણ મારે તારી સાથે જ લગ્ન કરવા છે’ તેમ કહી દિલીપે યુવતી સાથે શરીરસંબંધ બાંધી લીધા હતા. બાદમાં યુવતીને પણ જાણ થઇ હતી કે, દિલીપના અન્ય યુવતી સાથે લગ્ન નક્કી થઇ ગયા છે.