ખ્યાતિકાંડમાં સંડોવાયેલા બે ડોક્ટરોના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ

ગુજરાત મેડિકલ કાઉન્સિલની 11 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી જનરલ બોડી મીટિંગમાં ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ કૌભાંડમાં સંડોવાયેલા ડો. સંજય પટોળીયા અને ડો. શૈલેષ આનંદ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાઉન્સિલે બંને ડોક્ટરોના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે

ગુજરાત સરકારના એડી. ડાયરેક્ટર, મેડિકલ સર્વિસીસ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદના આધારે PMJAYના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. યુ.બી. ગાંધીની અધ્યક્ષતામાં એક 7 સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અને કાઉન્સિલના સુનાવણીના આધારે, બન્ને ડોક્ટરોની કામગીરી જાહેર આરોગ્ય માટે જોખમી ગણાતા, તેમના લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ના સેક્શન 22(1)(બી)(આઈ) હેઠળ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ડોક્ટર સંજય પટોળીયાના M.B.B.S. અને M.S. (Surgery) લાયસન્સ અને ડોક્ટર શૈલેષ આનંદના M.B.B.S. અને D.C.M. લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરાયા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે બન્ને ડોક્ટરોને તેમના લાયસન્સ કાઉન્સિલમાં સરેન્ડર કરવા માટે આદેશ કર્યો છે. આ કાર્યવાહી તબીબી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ છે, કારણ કે ખાસ કરીને PMJAY સહિતની આરોગ્ય યોજનાઓમાં ગેરરીતિઓ અંગે હવે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આગામી તબીબી કૌભાંડો પર અંકુશ લાવવા માટે ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *