રાજકોટના પડધરી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં જામનગરના નવાગામ ઘેડના આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતરાઇ ભાઇને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બન્ને પિતરાઇ ભાઇઓ રાજકોટ લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવતા હતા ને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પડધરી પોલીસે ગુનો નોંધવાની તેમજ અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ ઘેડ ખાતે રહેતા ભીખુભાઇ ઉકાભાઇ ફટાણિયા (ઉ.50) અને તેના પિતરાઇ ભાઇ ભીખુભાઇ બોઘાભાઇ ફટાણિયા (ઉ.51) બાઇકમાં બેસીને રાજકોટમાં મોરબી રોડ પર લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવતા હતા તે દરમિયાન પડધરી પાસે અજાણ્યા વાહને ઠોકરે લેતા બન્ને ફંગાળાઇ ગયા હતા. બનાવને પગલે બન્ને ભાઇઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ભીખુભાઇ ઉકાભાઇ ફટાણિયાનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પડધરી પોલીસે તપાસ કરતા મૃતક આધેડ ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પરિવારે જણાવતા પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે. અકસ્માત સર્જી નાસી જનાર વાહન ચાલકને ઝડપી લેવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.