શહેરમાં કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે ગેરેજમાં નોકરી કરતો અને ત્યાં જ રહેતા બિહારી શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનું અપહરણ કરી નાસી જતા અમદાવાદ પાસેથી રેલવે પોલીસે પકડી લઇને સગીરાને મુક્ત કરાવી હતી. બનાવને પગલે માતાઅે ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે ગેરેજમાં કામ કરતા અને ત્યાં જ રહેતો મૂળ બિહારી હમીર ઉર્ફે રાજ હમીર તુફાની (ઉ.22) એ બે વર્ષ પૂર્વે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફોન નંબર લઇને વાત કરતા હોય બાદમાં લગ્નની લાલચ આપી તા.15ના રોજ રાજકોટમાંથી સગીરાનું અપહરણ કરી નાસી ગયો હતો.
દરમિયાન સગીરાના પરિવારે શોધખોળ કરી પોલીસને જાણ કરી હતી. દરમિયાન અમદાવાદ રેલવે પોલીસે ટ્રેનમાંથી શંકાસ્પદ યુગલને પકડી તેની તપાસ કરતાં સગીરાનું અપહરણ થયાનું બહાર આવ્યું હતું.બનાવને પગલે સગીરાની માતાએ રાજ ઉર્ફે હમીર આલમ સામે પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. સગીરાની માતાની ફરિયાદ મુજબ કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ ભગોરા સહિતના સ્ટાફે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપી શખ્સની અટકાયત કરી હતી. પોલીસે વધુ તપાસ અર્થે પુછપરછ હાથ ધરી છે.