સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી ખાનગી કોલેજ સંચાલકોના ઘૂંટણીયે પડી ગયા હોય તેવું સામે આવ્યું છે. ગુજરાત રાજ્યની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા ખાનગી કોલેજમાં ફાયર NOC, BU પરમિશન તેમજ શૈક્ષણિક માન્યતા સ્ટાફની સાથે ફીનું ધોરણ કયા પ્રકારનું છે તે ચકાસીને પ્રમાણિત કરવાનું રહેશે તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જોકે, કુલપતિની સૂચનાથી એકેડેમિક ઓફિસર ચંદ્રેશ કાનાબાર દ્વારા કોઇપણ પ્રકારની વિગતો ચકાસ્યા વિના ખાનગી કોલેજોએ મોકલેલી માહિતીમાં સહી સિક્કા કરી દીધા. એટલે કે, ખાનગી કોલેજોએ જે ફી નક્કી કરી છે તે માન્ય રાખી.
આ ઉપરાંત BU રમિશન અને ફાયર NOC સાથે શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત સ્ટાફ ભરી લઈશું અથવા ભરી લીધા છે તેવું મોકલ્યું હતું. આ પ્રકારે 285 કોલેજોએ મોકલેલી વિગતો ચકાસ્યા વિના તેનો ડેટા GCAS (ગુજરાત કોમન એડ્રેસ સર્વિસિઝ) પર ચડાવી દીધો અને તેટલા માટે જ ખાનગી કોલેજ સંચાલકો દ્વારા કુલપતિનો આવકાર સમારોહ યોજયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી અને ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમારે દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન ચાલુ કોલેજોના જોડાણ માટે મંજૂરી આપી છે. અને GCAS પોર્ટલ ઉપર જે તે કોલેજોની ફી, ઇન્ટેક કેપેસિટી સહિતનો ડેટા ચડાવવામાં આવ્યો છે. લોકલ ઇન્કવાયરી કમિટી બાદમાં ચકાસણી માટે જશે. મોડું થઈ જાય તેમ હતું તેને કારણે એલઆઇસી પૂર્વ ડેટા GCAS પર ચડાવ્યો.