બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાના પતિ અને કપૂર પરિવારના સભ્ય નિખિલ નંદા માટે કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ છે. નિખિલ એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ લગાવાયો છે. આ કેસ ઉત્તરપ્રદેશના બદાયૂં જિલ્લામાં એક ટ્રેક્ટર એજન્સી ડીલરની આત્મહત્યાનો છે. આ કેસમાં નિખિલ નંદા સહિત નવ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
નિખિલ નંદા પર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ ફરિયાદી જ્ઞાનેન્દ્ર સિંહે આરોપ લગાવ્યો હતો કે તેમના ભાઈ જિતેન્દ્ર સિંહ, જે દાતાગંજમાં ‘જય કિસાન ટ્રેડર્સ’ નામની ટ્રેક્ટર એજન્સી ચલાવતા હતા, તેમના પર કંપનીના અધિકારીઓ દ્વારા ટ્રેક્ટરનું વેચાણ વધારવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. આ અધિકારીઓમાં એરિયા મેનેજર આશિષ બાલિયાન, સેલ્સ મેનેજર સુમિત રાઘવ, યુપી હેડ દિનેશ પંત, ફાઇનાન્શિયલ કલેક્શન ઓફિસર પંકજ ભાસ્કર, સેલ્સ લીડર નીરજ મહેરા, શાહજહાંપુરના ડીલર શિશાંત ગુપ્તા અને નિખિલ નંદાનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે આ અધિકારીઓએ જિતેન્દ્રને ધમકી આપી હતી કે જો સેલ્સમાં સુધારો નહીં થાય તો તેમની એજન્સી બંધ કરી દેવામાં આવશે. આ દબાણને કારણે જિતેન્દ્ર ડિપ્રેશનમાં આવી ગયો અને 22 નવેમ્બર 2024ના રોજ આત્મહત્યા કરી.
કોર્ટના આદેશ બાદ નિખિલ નંદા પર કેસ નોંધાયો- પોલીસ અગાઉ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બાદમાં કોર્ટના હસ્તક્ષેપ બાદ દાતાગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કૃષ્ણકુમાર તિવારીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પર નિખિલ નંદા સહિત તમામ આરોપીઓ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે.