ધો. 10ના વિદ્યાર્થીએ ક્લાસ રૂમમાં છરી કાઢી, CCTV

રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં ધો. 10માં ભણતો વિદ્યાર્થી છરી લઈને સ્કૂલે પહોંચ્યો હતો અને સાથી મિત્રને હાથમાં ઘા ઝીંકી દીધો હતો. શહેરમાં લુખ્ખાગીરી બેફામ વધી રહી છે ત્યારે એક 15 વર્ષનો સગીર પણ સ્કૂલ બેગમાં છરી લઈ પહોંચતા ખળભળાટ મચી ગયો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. વિદ્યાર્થી સ્કૂલે છરી લઇને પહોંચ્યો હોવાના ક્લાસ રૂમના સીસીટીવી ફૂટેજ વાઈરલ થઈ રહ્યા છે. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

રેલનગરની આશીર્વાદ સ્કૂલના ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના માતાએ જણાવ્યું હતું કે, મારો 15 વર્ષીય પુત્ર ધો. 10માં અભ્યાસ કરે છે. તે સરળ સ્વભાવનો છે. તેની સાથે જ ભણતો આરોપી વિદ્યાર્થી અવારનવાર તેને હેરાન કરતો. અગાઉ 2 વખત સ્કૂલમાં શિક્ષકો અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી છતાં આરોપી વિદ્યાર્થી મારા પુત્રને હેરાન કરતો. આજે મારો પુત્ર સ્કૂલે ગયો હતો. જ્યાં ક્લાસ રૂમમાં આરોપી વિદ્યાર્થીએ પોતાના બેગમાંથી મોટી છરી કાઢી હતી અને મારાં પુત્રના હાથમાં મારી દીધી હતી. જેથી મારો પુત્ર સીધો શિક્ષક પાસે ગયો હતો. જ્યાં શિક્ષક અને સ્કૂલ સંચાલકે આરોપી વિદ્યાર્થીની બેગ ચેક કરતા મોટી છરી નીકળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *