રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ગત અઠવાડિયામાં હાઇકોર્ટ દ્વારા મનપાના પૂર્વ ATP રાજેશ મકવાણા, પૂર્વ ATP ગૌતમ જોષી તેમજ ઇજનેર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા હતાં. આ અંગેની જાણ થતાંની સાથે પીડિત પરિવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આરોપીઓના જામીનને લઈ સરકાર સુપ્રીમ કોર્ટમાં ન જાય તો પોતે વકીલ રાખીને જશે તેવી તૈયારી બતાવી હતી. ત્યારે આરોપીઓના જામીન રદ થાય તે માટે રાજકોટ પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે, તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસને ગૃહ વિભાગની મંજૂરી મળતા સુપ્રીમના દરવાજા ખખડાવશે.
પ્રાપ્ત વિગત મુજબ, તાજેતરમાં ટીઆરપી અગ્નિકાંડમાં હાઇકોર્ટ દ્વારા મનપાનાં પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા અને ગૌતમ જોશી ઉપરાંત આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ હતી. અગ્નિકાંડનાં ત્રણ આરોપીને જામીન મળવા મુદ્દે પીડિત પરિવારોએ સુપ્રીમ જવાની તૈયારી દર્શાવી હતી. સરકાર સુપ્રીમમાં જઈ જામીન રદ કરે તેવી માંગ ઉઠાવી હતી. જો આમ નહીં થાય તો એક બાદ એક તમામને જામીન મળી જવાની દહેશત વ્યક્ત કરી આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ સરકાર જો આ મામલે સુપ્રીમ કોર્ટમાં નહીં જાય તો ત્રણ આરોપીઓનાં જામીન રદ કરવા પોતે સુપ્રીમનાં દ્વારા ખખડાવવા માટે તૈયારી દર્શાવી હતી. આરોપીઓ સામે ડે ટુ ડે કેસ ચાલે તેવી પણ માગ પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી હતી.