ઉપલેટા ઉપલેટાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે રાજ્યના સિંચાઈ મંત્રીને પત્ર પાઠવી જાણ કરી છે કે મોજ કેનાલ પરનો પુલ અત્યંત સાંકડો છે અને એસટી બસ અન્ય ગામ જવા માટે આ જ પુલનો ઉપયોગ કરી રહી છે ત્યારે જો બસ પસાર થઇ રહી હોય તો નાના વાહનો પણ ન નીકળી શકે તેટલી સાંકડી જગ્યા હોવાથી પુલ પહોળો બનાવાય તો અવરજવરમાં આસાની રહે. ગઢાળા ગામ પાસે મોજ કેનાલ પર નાનો પુલ આવેલો છે, તે પુલ વર્ષો જૂનો છે અને કેરાળા તરફ ભાખ કલારીયા તરફ જવાનો મુખ્ય રસ્તો છે. આ નાના પુલ ઉપર થઈને જવું પડી રહ્યું છે અને આ પુલ ગાડા રસ્તાનો પુલ છે છતાં પણ અત્યારે આ પુલ પર એસટી પણ અવર જવર કરે છે. આ પુલ પર એસટી માંડમાંડ નીકળી શકે છે ત્યારે આ પુલ પહોળો બનાવવા રાજ્યના સિંચાઈ મંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે.
અગાઉ પણ પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે મોજડેમના અધિકારીઓને રૂબરૂ આ બાબતને રજૂઆત કરી જ છે ત્યારે અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે આવી કોઈ ગ્રાન્ટ ઉપરથી આવતી નથી જેને કારણે પૂલની કામગીરી અમે કરી શકીએ તેમ નથી ત્યારે એવો આક્ષેપ કર્યો હતો કે આજે સરકાર પાસે તાઈફા કરવાના પૈસા છે, પરંતુ લોકોને જે સુવિધા મળવી જોઈએ તે મળી શકતી નથી. આ પુલ પહોળો કરવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ કરશે તેમ અંતમાં જણાવાયું છે.