ગોંડલમાં એક કરુણ ઘટનામાં ગેટ રિપેરિંગ કરતી વખતે એક મજૂરનું દુःખદ અવસાન થયું છે. શેમળા નજીક આવેલી માધવ ટેક્સ સ્પિન ફેક્ટરીમાં આ દુર્ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના મહમૂદપુર ગામના 30 વર્ષીય શેષરામ માતારામ યાદવ મેઈનગેટનું રિપેરિંગ કાર્ય કરી રહ્યા હતા, ત્યારે અચાનક મોટર ચાલુ થવાથી દરવાજો બંધ થઈ ગયો અને તેમનું મોઢું દરવાજામાં આવી ગયું.
તાત્કાલિક દરવાજો ખોલવામાં આવ્યો અને શેષરામને સારવાર માટે પ્રાઇવેટ વાહનમાં લઈ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ નીપજ્યું. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની ગઈ હતી.
મૃતક શેષરામ માત્ર ત્રણ દિવસ પહેલાં જ 1 ફેબ્રુઆરીએ મજૂરી કામ માટે ગોંડલ આવ્યા હતા અને 3 ફેબ્રુઆરીએ આ દુર્ઘટના બની. મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.