રાજકોટથી ગાંધી ભૂમિ પોરબંદર, પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ, શ્રીનાથજી ધામ નાથદ્વારા અને વડોદરા જવા માટે 18 જેટલી નવી એસટીની વોલ્વો બસ ફાળવવા માટે એસટીના વિભાગીય નિયામક દ્વારા વાહન વ્યવહાર નિગમની અમદાવાદ સ્થિત વડી કચેરીને દરખાસ્ત મોકલવામાં આવી છે. આ ચારેય રૂટ પર હાલ 20 હજાર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. રાજકોટથી પોરબંદર જવા માટે તો એકપણ વોલ્વો બસ નથી ત્યારે ઉપરોક્ત ચારેય રૂટ ઉપર મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને 2 બાય 2 એસી વોલ્વો બસ શરૂ કરવાનું આયોજન છે.
વોલ્વો અને AC બસ શરૂ કરવામાં આવે તેવી દરખાસ્ત રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટથી વડોદરાની હાલ 4 ટ્રીપ દોડે છે, પરંતુ તેમાં પણ વધારો કરી મુસાફરોને દર 2 કલાકે રાજકોટથી વડોદરા માટેની બસ મળી રહે તે પ્રકારનું આયોજન છે. આ ઉપરાંત રાજકોટથી પોરબંદર માટે હાલ AC અને વોલ્વો બસનું સંચાલન થઈ રહ્યું નથી. જેથી રાજકોટથી પોરબંદર જવા માટે વોલ્વો અને AC બસ શરૂ કરવામાં આવે તેવી દરખાસ્ત વડી કચેરીને છે. આ ઉપરાંત પોરબંદર માટે દર એક કલાકે અને વડોદરા માટે દર અડધો કલાકે સાદી બસ તો દોડી જ રહી છે.