રાજકોટમાં આવેલ TRP ગેમ ઝોનમાં 25 મે, 2024ના રોજ આગની ઘટના બની હતી, જેમાં 27 કરતા વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ કેસમાં 15 જેટલા આરોપીઓ પૈકી 7 આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની ઉપર હાઇકોર્ટે આજે (30 જાન્યુઆરી) ચુકાદો જાહેર કરતા સાત પૈકી ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે અન્ય ચાર આરોપીના જામીન ના મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આગાઉ રાજકોટ કોર્ટે આરોપીઓની જામીન અરજી નકારી દેતા આરોપીઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટમાં આરોપીઓની જામીન અરજી ઉપર લાંબી સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
આજે હાઇકોર્ટે ચુકાદો જાહેર કરતા કોર્ટે ઈલેશ ખેર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા અને મનસુખ સાગઠિયાના જામીન ફગાવ્યા છે. તો રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી અને ગૌતમ જોશીની જામીન અરજી મંજૂર રાખી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એડવોકેટ વિરાટ પોપટની નિમણૂક કરી છે, જેઓ હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ પણ છે. હાઇકોર્ટે જેને જામીન આપ્યા તેની ઉપર સુપ્રીમમાં અપીલ માટે તેમને સ્ટે માંગ્યો હતો, જેને હાઇકોર્ટે નકારી દીધો છે.