જામકંડોરણામાં સમૂહલગ્ન વખતે સ્ટેજ પરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાટીદાર સમાજના કેટલાક આગેવાનોને ટપોરી કહ્યા હતા અને તેમના આ વિધાન બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દરરોજ કોઇને કોઇ પાટીદાર આગેવાન રાદડિયાને આડે હાથ લઇ રહ્યા છે. રાજકોટની કોમર્સિયલ કો-ઓપરેટિવ બેંકના સીઇઓ પરષોત્તમ પીપળિયાએ હવે આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને તેમણે જયેશ રાદડિયાને આડે હાથ લીધા હતા.
પરષોત્તમ પીપળિયાએ કહ્યું હતું કે, જયેશ રાદડિયાએ જે પ્રવચન કર્યું, જે હાકલા પડકારા કર્યા, સમાજના શ્રેષ્ઠીને જે આક્ષેપ કર્યા તે નિંદનીય છે. પીપળિયાએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, અગાઉ ગોંડલમાં પાટીદારોના દીકરાઓને ગુજસીટોકમાં કોણે સલવાડ્યા?, પાયલ ગોટી પર અત્યાચાર કોના ઇશારે થયા તે સમાજ સારી રીતે જાણે છે. પાયલ ગોટીને જે રીતે માર મારવામાં આવ્યો, જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે હાકલા પડકારા કરવાની જરૂર હતી, પરંતુ ત્યારે પાટીદારને બદલે રાદડિયાએ પાર્ટીદાર બનીને મૌન ધારણ કર્યું હતું અને તેને સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય. સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે, તમારા રાજકીય અસ્તિત્વ પર સમાજ નથી હોતો તે યાદ રાખવું જોઇએ.