સુસાઇડ નોટમાં 10 વ્યાજખોરોના નામ લખી યુવકનો આપઘાત

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા શિવમપાર્કમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. મૃતક યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં 10 જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ મરતા પહેલાં યુવકે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, મારી બધી બહેનોને જય માતાજી. છેલ્લો મારો વીડિયો છે. સુખી રહેજો. જય માતાજી હો બહેનો બધી. પ્રાથમિક તપાસમાં યુવકે કન્સ્ટ્રક્શનના ધંધા માટે અલગ અલગ વ્યક્તિ પાસે વ્યાજે રૂપિયા લીધા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો રાજકોટના કોઠારીયા રોડ શિવમપાર્ક શેરી નંબર-3માં રહેતાં અલ્પેશ કાનજીભાઈ સાકરીયા (ઉ.વ.34) નામના કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ રાત્રિના 9 વાગ્યાની આસપાસ રેસકોર્સ બાલભવન સામે શૌચાલય પાસે ઝેરી દવા પી લેતાં તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં દમ તોડી દેતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ સિવિલ ચોકીના સ્ટાફે પોલીસને કરતા પોલીસે આવી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *