વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં લેટરકાંડ એક નવી મોડેસ ઓપરેન્ડી બની ગઈ હોય તેમ એક બાદ એક લેટર વાઇરલ થઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામે આવતા એક બાદ એક લેટર મામલે અમરેલી લેટર કાંડ હજુ ભુલાયો નથી ત્યાં રાજકોટમાં વધુ એક નનામો લેટર વાઇરલ થવા પામ્યો છે. હવે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી અને ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના પાર્ટીના શિષ્ટાચાર વિરુદ્ધના કારનામા હોવાના આક્ષેપ સાથેનો નનામો લેટર વાઇરલ થવા પામ્યો છે.
ધવલ દવે વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે બોલવાનું ટાળ્યું આ લેટરની શરૂઆતમાં જ રાલો સંઘના ચેરમેન બનાવવા માટે સાત આંકડાની રકમમાં વહીવટ કર્યાનો ઉલ્લેખ કરી તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સપોર્ટ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે જેમની સામે આક્ષેપ છે તેવા રાલો સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ લેટરના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી તેમની નિમણૂક સમયે પ્રમુખ અને પ્રભારી બન્ને અલગ હતા તેવી સ્પષ્ટતા કરી છે. જો કે આ ઉપરાંત પ્રભારી ધવલ દવે વિરુદ્ધ થયેલ આક્ષેપો અંગે બોલવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વાઇરલ પત્રના અંતમાં લી.સૌરાષ્ટ્રના 25 વર્ષ જૂના પાર્ટીના કાર્યકરોનું એક વિશાળ વર્તુળનો ઉલ્લેખય કરાયો છે.