રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મહાનગરપાલિકાના અધિકારીઓના નંબરો તથા વિભાગીય માહિતી સાથેની ડાયરી છપાવવામાં આવે છે ત્યારે આ વર્ષે મનપાની તિજોરી તળિયાઝાટક થઇ ગઇ હોવા છતાં રૂ.1.79 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાવતા અનેક સવાલો ઉઠયા છે. જ્યારે બીજીબાજુ દર વર્ષે છપાતી ડાયરીના જાન્યુઆરી માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી કોઇ ઠેકાણા નથી. કેલેન્ડર પાછળ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ રૂ.1.79 કરોડનું આંધણ કરવાના નિર્ણય માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ કારણભૂત હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
મનપા દર વર્ષે ફોટાવાળી મોટી ડાયરી અને પોકેટ ડાયરી છપાવે છે. દર વર્ષે નાણાકીય વર્ષ મુજબ ડાયરી છપાવીને એપ્રિલ માસમાં પદાધિકારીઓ અને રાજકીય આગેવાનોમાં વિતરણ કરાતી હતી, પરંતુ આ વર્ષે જાન્યુઆરી માસમાં જ ડાયરી છપાઇને આવી જાય તે પ્રકારનું આયોજન પદાધિકારીઓએ કર્યું છે.