શહેરમાં સદર બજારમાં વીજફોલ્ટ રિપેરિંગ કરતી વેળાએ વીજકરંટ લાગતાં લાઇનમેનનું મોત નીપજતા તેના પરિવાર અને કર્મચારીમાં કલ્પાંત સર્જાયો છે. પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં લાઇનમેન તરીકે કાયમી નોકરી કરતા નરેન્દ્રભાઇ ગોવિંદભાઇ જાદવ (ઉ.41) સોમવારે રાત્રીના ફરજ પર હતા ત્યારે સદર બજારમાં વીજફોલ્ટની ફરિયાદ પરથી સાથી કર્મચારી સાથે ગયા હતા અને પાવર સપ્લાઇ બંધ કરી રિપેરિંગ કરતા હતા તે દરમિયાન વીજ ટ્રાન્સફોર્મર રિપેર કરતી વેળાએ અચાનક પાવર સપ્લાય ચાલુ થઇ જતા વીજકરંટ લાગતાં ફેંકાઇ ગયા હતા. દરમિયાન સાથી કર્મચારી સહિતે તેને બેભાન હાલતમાં વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.વી. બોરીસાગર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતકના પિતા હયાત ન હોવાનું અને પરિવારમાં એકના એક આધારસ્થંભ હોવાનું પરિવારે જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે. પોલીસની વધુ તપાસમાં સદર બજારમાં ભારત ફ્રૂટ સામે વીજ ટ્રાન્સફોર્મર નજીક 66 કેવીની બે લાઇન આવતી હોય જે ફોલ્ટ બાદ અચાનક લાઇન ચાલુ થઇ ગયાનું બહાર આવતા પેાલીસે વધુ કાર્યવાહી કરી છે.