મહાનગરપાલિકાએ અલગ-અલગ વોર્ડ વિસ્તારોમાં પાણીનો બગાડ અટકાવવા માટે પાણી વિતરણની જૂની પાઇપલાઇન બદલી નાખીને નવી ડીઆઇ પાઇપલાઇન નાખવાનો નિર્ણય કર્યો અને તેના અનુસંધાને તત્કાલીન કમિશનર આનંદ પટેલ દ્વારા રૂ.7 કરોડની ડીઆઇ પાઇપલાઇન દોઢ વર્ષ પહેલાં ખરીદાયા બાદ હજુ સુધી તેનો વપરાશ ન થયાની હકીકત સામે આવી છે. તાજેતરમાં બજેટ માટે મળેલી બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓને ડીઆઇ પાઇપલાઇન મગાવ્યા બાદ કામ અટકી ગયાનું ધ્યાને આવતા તમામ પ્રોજેક્ટ શરૂ કરી દેવા અધિકારીને સૂચના આપી હતી.
ડીઆઇ પાઇપલાઇનની ખરીદી માટે મનપાએ અલગ-અલગ ડાયાગ્રામ મુજબ ભાવ વધુ હોવા છતાં કોઇ ફેરફાર વગર જ ખરીદી કરીને કંપનીને કમાણી કરી દેવાઇ હતી. એકતરફ ખરીદીના એસ્ટિમેટ કરતા વધુ ભાવ અપાયા પછી પાઇપલાઇન બિછાવવા માટે લેબર કોન્ટ્રાક્ટ પણ ઉંચા ભાવે અપાતો હોય મનપાને ડબલ આર્થિક માર સહન કરવો પડતો હોય છે. રૂ.7 કરોડના ખર્ચે ખરીદાયેલી ડીઆઇ પાઇપલાઇનને કાટ ચડી ગયો છે ત્યારે આ મુદ્દે બજેટ બેઠકમાં પ્રશ્નો ઉઠાવાતા અધિકારીઓએ કમિશનરની બદલી અને ટીઆરપીકાંડને કારણે કામગીરી બંધ થયાનો બચાવ કરતા જવાબદારોનો ઊધડો લઇ કામગીરી ન અટકે તે જોવા તાકીદ કરી હતી.